રવિવાર, 3 જુલાઈ, 2011

હું એક શિક્ષક છું

હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,
હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહિ,

મેં કલાકો ગળા ઢઇડીને વર્ગખંડ ગહેકાવ્યા છે,
મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે,
મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે,
ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેકટર મેં પાયેથી બાંધ્યા છે,
હું પાયાનો પથ્થર કોઈ જુઠ ઈમારત ચણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

ખાણમાં નાખી હાથ અને મેં કૈક હીરાઓ ઝળકાવ્યા,
શબ્દનો સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યાં,
અને તમે શું આપ્યું? પૂછો મા ! ઝખમને ખણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

હા,હું હકથી, વટથી કહું છું સમાજ મારો ઋણી છે,
વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસુણી છે,
આદર ના આપો તો માફી, આરોપો બણબણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ.

- સાંઈરામ દવે