શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

હે માનવ વિશ્વાસ કરી લે

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું ;
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.

વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું;
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ?
હે માનવ o

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું;
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું.
હે માનવ o

શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું;
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વયો હું જાઉં છું
હે માનવ o

દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું;
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું.
હે માનવ o

ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છું;
'આપ' કવિની ઝુંપડીએ જઈ રામ બની રહી જાઉં છું.
હે માનવ o