રવિવાર, 21 ઑગસ્ટ, 2011

બેડું મારું નંદવાણું રે

સોના ઈંઢોણી રે રુપલાનું બેડલું રે
      પાણીડાં ગઈ’તી તળાવ, બેડું મારું નંદવાણું રે
ચોરે તે બેઠા રે બેની મારો સાસરો રે,
      કેમ કરી બેડું લઇ જાઉં બેડું મારું નંદવાણું રે
ડેલીએ તે બેઠા રે બેની મારા જેઠજી રે,
      કેમ કરી બેડું લઇ જાઉં બેડું મારું નંદવાણું રે
મેડીએ તે બેઠા રે બેની મારો પરણ્યોજી રે,
      કેમ કરી બેડું લઇ જાઉં, બેડું મારું નંદવાણું રે
સરડક તાણીશ રે બેની મારો સણગટો રે,
      લાંબી તાણીશ લાજ, બેડું મારું નંદવાણું રે
ઘર પછવાડે રે બેની એક બાવળિયો રે
      સોટા વાઢ્યા ચાર, બેડું મારું નંદવાણું રે
પેલો તે સોટો રે બેની મને સબોડિયો રે
      સંભાર્યા મા ને બાપ બેડું મારું નંદવાણું રે
બીજો તે સોટો રે બેની મને સબોડિયો રે
      સંભાર્યા ભાઈ ભોજાઈ બેડું મારું નંદવાણું રે
 ત્રીજો તે સોટો રે બેની મને સબોડિયો રે
      સંભાર્યા સૈયરુના સાથ, બેડું મારું નંદવાણું રે
ચોથો તે સોટો રે બેની મને સબોડિયો રે
      જીવ ગયો અંકલાશ, બેડું મારું નંદવાણું રે