સોમવાર, 13 મે, 2013

એ ધન્ય ધરા ગુજરાત છે

ગુજરાત સ્થાપનાદિન નાં રોજ લખાયેલ ગીત.

જ્યાં મેઘાણીના ગીત છે,
જ્યાં ગાંધીજીની પ્રીત છે,
સંસ્કારોની અમીરાત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

લોખંડી વીર વલ્લભ છે,
જેના દર્શન કરવા દુર્લભ છે,
જ્યાં નરસિહ, નર્મદ કાન્ત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં નર્મદા તાપી સધ્ધર છે,
જ્યાં મચ્છુ ઘેલો ભાદર છે,
અરે સાબરમતી જ્યાં શાંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં દ્વારકા સોમનાથ અંબાજી,
જ્યાં પાવાગઢ વીરપુર શામળાજી,
જ્યાં ગીરનાર નો ખોળો અનંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં રાસ ગરબાની રમઝટ છે,
જ્યાં ભજન દુહાની દાવત છે,
જ્યાં હાલરડામાં હેત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

આ રત્નો કેરી ખાણ છે,
ભારતની પહેચાન છે,
'આનંદ' ઈશ્વરનું ગીત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.