રવિવાર, 21 જુલાઈ, 2013

બદલી કેમ્પ


                      આમ તો હું એકવાર પરણેલો પણ તોય જેવી બદલી કેમ્પની તારીખ ખબર પડે કે જાણે હું બીજીવાર કાચો કુંવારો બનીને પરણવા જાતો હોઉં એવું લાગે. શિક્ષણ ખાતામાં નોકરી આમ તો સારી જ કહેવાય. અને જેને પુછો એ એમ જ કહે કે "ભાઈ તમારે તો મજા જ મજા. મનમાં આવે એ છોકરાવને ભણાવવાનું. અને હેય ને બે મહિનાના વેકેશનનો મફતનો પગાર લેવાનો." મને તો હજુય નથી સમજાતું કે લોકોને આ નોકરી એટલે જ સારી લાગે છે કેમ કે આમાં બે મહિનાનો પગાર મફત મળે છે એટલે ? એમ તો બીજા ખાતામાં તો ઘણોબધો મફતનો માલ અંદર થાતો હોય છે. પણ એના કોઈ વખાણ જ ન કરે.
                       હશે એ જે હોય તે. આપણી વાત પાછી ઉંધે પાટે નીકળી ગઈ. આપણે વાત કરતા હતા બદલી કેમ્પની. આ 'બદલી કેમ્પ' એક એવો જાદુઈ શબ્દ છે કે જો કોઈ સુતેલા શિક્ષકને પણ સંભળાઈ જાય તો તરત એના બેય કાન બેઠાં થઇ જાય. આમેય આ એક જ એવો શબ્દ છે જેના માટે શિક્ષકોને હજુ પ્રેમ છે. બાકી હવે તો સરકાર વેકેશનમાં તાલીમું ગોઠવી દે અને બી.એલ.ઓ. જેવી કામગીરી આપી દે. અને વેકેશનના નામે બીચાડાની હાલત ઘોરી ઘોરીને ચુસી નાખેલ કેરી જેવી કરી નાખે જેમાં ખાલી ગોટલા જ વધે છેલ્લે.
                        હું નોકરીએ લાગ્યો ત્યારે મને જાણવા મળ્યું કે મારે બદલી કરવા સાટું ત્રણ વરસ એક જ જગ્યાએ રેવું પડશે. મને થયું કે હું ત્રણ વરસ રહું કે ત્રણ દિ એમાં શિક્ષણ વિભાગના 'ખાલી જગ્યા' નું શું બગડી જાતું હશે ? પણ ભાઈ આતો સરકારી નોકરી એટલે એમાં એ બધુંય કે' એમ કરવું પડે. ઈ કે દિ તો દિ અને રાત તો રાત. પણ જેવા મારી નોકરીના ત્રણ વરસ પુરા થયા હું તો બદલી કેમ્પના જ સપના જોવા લાગ્યો. અરે સુતા, જાગતા, હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા અરે દરેક વખતે બદલી જ યાદ આવે. અને જ્યારે બદલી કેમ્પ જાહેર થયો એટલે તો મને જાણે એમ થયું કે ભારતને બીજીવાર આઝાદી મળી. મેં તો નક્કી કરી નાખ્યું કે હવે તો બદલી કરવી જ છે. અને મારી આંખ હતી ગોંડલ તાલુકા ઉપર જ. જોકે મારી
જેમ ઘણાય પોતાનો ડોળો એ બીચાડા ગોંડલ પર રાખીને બેઠાં હતા, એની મને પછી ખબર પડી.
                         હવે જે દિવસે મારી બદલીની તારીખ હતી તે દિવસે હું તો સરસ મજાનો તૈયાર થઈને નીકળી પડ્યો ઘરેથી. અરે મારા લગનમાંય મને આટલો હરખ તો નો'તો જેટલો આમાં હતો. (લગન તો ખબર જ હતી કે થવાના જ છેને ? અને આમેય લગન કાઈ હરખાવા જેવી વસ્તુ તો છે નૈ.) આમ તો હું અંધવિશ્વાસુ નથી પણ તોય તારીખીયામાં જોયું કે ક્યાં ચોઘડીયામાં ઘરેથી નીકળું? અને એમાં જ નીકળ્યો. અને મારું ફટફટીયુ ધોડાવ્યું બેફામ. ગાડી તો એટલી ઝડપી હલાવતો હતો કે જાણે મારે નજીકમાં જ જાવું હોય અને થોડોક ઝુલાબ થઇ ગયો હોય. (હવે આ ઝુલાબની વાત અમુકને નૈ ગમે. પણ ભાઈ આતો મારા માટે કઉ છું હો.)
                         બદલી કેમ્પ બે વાગે ચાલુ થાવાનો હતો પણ હું એટલો બધો હરખપદુડો થઇ ગયો હતો કે સાડા બાર થયા ત્યાં તો હું પોગી ગયો. અને હા ઘરેથી નીકળતા પેલા ભગવાનને પાંચ દીવા પણ કર્યા હતા હો. હવે એની વરાળ ભગવાનને લાગી હશે કે નૈ ઈ તો કોણ જાણે ?
                          પછી ત્યાં જઈને મારી જેવા બીજા હરખપદુડાના દર્શન કર્યા. બધાય હેય ને એક જ ચિંતામાં હતા કે મને મળશે કે નૈ ? મને મળશે કે નૈ ? પણ મને ચિંતા નો'તી. કેમ કે ઉમરમાં સૌથી નાનો ગુડાણો હતો અને એટલે મને ખબર જ હતી કે મારો કાઈ વારો આવવાનો નથી. બસ હું તો બેઠો નિરાંતે. કેમ કે બદલી કેમ્પમાં અમારી ભરતીના બધાય લગભગ એક જ દિવસે હાજર થયા'તા. અને એટલે બધાયની જનમતારીખ જોવાના હતા. અને એમાં જે મોટા હોય એને પેલા બદલી કરવા દેતા હતા. (હવે સાવ સાદી વાત વિચારો, ધારો કે બધાય સો વરસ જીવવાના છે તો ઓલો મોટી ઉમરવાળો વધુ જીવશે કે નાની ઉમરવાળો ?) પણ એ નિયમ ક્યા અપલખણાએ બનાવ્યા એ એક શોધનો વિષય છે. જો કોઈએ પી.એચ.ડી. કરવું હોય તો એમાં કરી લેજો.
                         બે વાગ્યાનો ટાઈમ હતો અને અમારા જીલ્લાના અધિકારી આવ્યા એકદમ ફીટ ત્રણ વાગે. હવે જે અધિકારી આચાર્યને સુચના અપાવે કે શિક્ષક સ્કુલે જરા પણ મોડો આવે તે નહિ ચાલે. એ જ અધિકારી એક કલાક મોડો આવ્યો. (બીચાડો ગયો હશે ક્યાંક પાડા દોવા. જે હોય તે.) અને આમેય રાજાને કોણ કહે કે ભાઈ તારું મોઢું ગંધાય છે ?
                         પછી અમે જાણતા હતા એ બધાય બદલીના નિયમો ન્યા એ અધિકારી હારે આવેલ એક અપલખણાએ અમને કીધા. અને પછી ઈ તો એક પછી એક વરસ બોલવા લાગ્યો. ૧૯૭૯,૧૯૮૦,૧૯૮૧,.... અને જેમ જેમ શિક્ષક આવે એમ એમ એને કાઈક પતાકડું દેતો જાય. મને થાતું હતું કે જે ઉભો થાય એને મારી મારીને ધોઈ નાખવો જોઈ અથવા તો ધોઈ નાખવી જોઈ. પછી કો'ક મહાન માણસે કરેલ વિચાર યાદ આવ્યો કે "શું મારું શું તારું ? દુનિયા તો એક સપનું છે." અને એટલે હું ચુપચાપ બેઠો રહ્યો. (આમેય બીજું કાઈ તો થાય એમ હતું નૈ.)
                          હવે જ્યારે ગોંડલ તાલુકો ચાલુ થયો ત્યારે જાણે હું કોઈ મોટી અઘરી પરીક્ષામાં બેઠો હોવ અને પેપર આવ્યું હોય એમ ગંભીર થઇ ગ્યો. એક પછી એક બધાય ગામડા બધાય લેવા માંડ્યા. અને હું ધોયેલ મુળાની જેમ બધાને જોતો રયો. કો'ક ભિખારીની સામે તમે સેન્ડવીચ ખાવ તો એને કેવું લાગે એ મેં પેલી વાર અનુભવ્યું. અને એમ કરતા કરતા મારું જનમનું વરસ પેલો અપલખણો બોલ્યો. મને તો લાગતુંય નો'તું કે મારું જનમનું વરસ આવશે. પણ તોય આવ્યું. ઘડીકવાર તો કેવું લાગ્યું એ કઈ નૈ શકું. પણ તમે આફ્રિકાની છોકરીને પરણવા ગયા હો અને માંડવામાં કેટરીના કૈફ આવી જાય પરણવા તો કેવું લાગે ?
બસ એવું જ લાગેલ.
                          પણ ગોંડલ તાલુકાનું એક તો એ છેલ્લું ગામ અને એમાંય છેલ્લું નામ મારું. પણ શું થયું ભગવાન જાણે મારી આગળના ત્રણ વ્યક્તિઓએ એ ગામ લેવાની ના પાડી દીધી. પણ ચોથા નંબરના માણસે હા પાડી દીધી. એ ચોથો માણસ મારો બહુ જુનો મિત્ર હતો.પણ જ્યારે એણે હા પાડી તો એવું લાગ્યું કે જાણે પાછલા જનમમાં એની બૈરીને હું ભગાડી ગ્યો હોઉં. અને આ જનમમાં એ એનું વેર લેતો હોય એમ
મારું ગામડું લઇ ગ્યો. (જોકે એ ગામડું મારા બાપાના નામે તો હતું જ નૈ.)
                         અને પછી ધોયેલ મુળાની જેમ હું બદલી કેમ્પ પુરો થયો ત્યારે બીજા મુળાઓની હારે સોગીયું મોઢું કરીને બારે નીકળી ગયો. હા વળતા જલારામ બાપાને પગે લાગતો આવ્યો અને એને કીધું કે આવતા ભવે શિક્ષક નો બનાવતા અને બનાવો તો જરા વે'લો જનમ આપજો.

ખાસ નોંધ :- આ મારી પોતાની વાત છે, લાગતા વળગતાએ નોંધ લેવી નહિ. અને કોઈએ બંધબેસતી પાઘડી પે'રવી નહિ અને જો પે'રો તો મને બતાડવા આવતા નૈ. તમને તમારી સાસુના સમ.